A chair named Pujay Pandurang Shastri Athavale(dada) will be started in Saurashtra University

3 years ago
6

પ્રતિ ,
તંત્રીશ્રી ,
.....................
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂજય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ( દાદા ) ના નામની ચેર શરૂ થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ દ્વારા હાલમાં જ લેવાયેલા નિર્ણય મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરમ પૂજય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એટલે કે " દાદા " ના નામથી ચેર શરૂ કરવાનો નિર્ણય થયો . આ ચેર શરૂ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીનભાઈ પેથાણી,ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સદસ્યો ડો.મેહુલભાઈ રૂપાણી, ડો.નેહલભાઈ શુકલ સહિત તમામ સિન્ડિકેટ સભ્યશ્રીઓએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો . સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટી ખાતે ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલા વિવિધ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં મૂલ્ય શિક્ષણનું આરોપણ થાય , સમાજ ચેતનવંતો બને તેવા કાર્યક્રમો થાય , આપણા મહત્વના ગ્રંથો પછી તે ભાગવત ગીતા હોય, જુદા જુદા વેદ અને પુરાણો હોય , તેમાં રહેલા મૂલ્યો નવી પેઢીને આપી શકાય તે આ ચેરનું મુખ્ય ઉદેશ્ય રહેશે . સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો.નિદત બારોટને જુદી જુદી કોલેજના સંચાલકો, અધ્યાપકોએ વાત મૂકી હતી કે શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓ કે જે નવી પેઢીને ભણાવનાર શિક્ષકો તૈયાર કરે છે તે શિક્ષકોમાં મૂલ્ય શિક્ષણના પાઠ શીખવવા જોઈએ. આ વિચારને ડો.નિદત બારોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી, સિન્ડીકેટ સભ્યો ડો.મેહુલભાઈ રૂપાણી , ડો.નેહલભાઈ શુકલ સહિતના સિન્ડિકેટ સભ્યો સમક્ષ પણ પ્રસ્તાવ કર્યો હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ભારતીય સંસ્કૃતિ અને ધર્મના મૂલ્યોનું વિદ્યાર્થીઓમાં સિંચન કરવાના હેતુ સાથે એક અલાયદી ચેર શરૂ કરવી જોઈએ. હાલમાં આંબેડકર ચેર, ઝવેરચંદ મેઘાણી લોકસંસ્કૃતિ કેન્દ્ર પ્રકારે ભારતીય સંસ્કૃતિ ચેર શરૂ કરવી જોઈએ. પ્રાથમિક દ્રષ્ટિએ કુલપતિ, ઉપકુલપતિ અને સિન્ડિકેટ સભ્યોને યોગ્ય જણાતા આ પ્રસ્તાવને સિન્ડિકેટમાં મંજૂરી અર્થે રજુ કરવામાં આવ્યો .

ભારતીય સંસ્કૃતિ અને સમાવિષ્ટ આપણા પવિત્ર ગ્રંથ ગીતાના વિચારો લઈને આધુનિક ભારતમાં પરમપૂજય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનો મહત્વનો ફાળો રહયો છે. મહારાષ્ટ્રમાં વૈજનાથ શાસ્ત્રી સંસ્કૃત વિષયના શિક્ષક હતા . જેમની ઘેર પૂજય પાંડુરંગ શાસ્ત્રીજીનો જન્મ થયો. તેમના પિતા વૈજનાથ શાસ્ત્રી સંસ્કૃત વિષયના પ્રખર પંડિત હતા. પાંડુરંગ શાસ્ત્રીજીને સંસ્કૃત વિષયનું જ્ઞાન તેમના પિતા વૈજનાથ શાસ્ત્રીજી પાસેથી મળ્યું . ૧૯ ઓકટોબર ૧૯૨૦ ના રોજ જન્મેલા પૂજય પાંડુરંગ શાસ્ત્રીજી સમગ્ર ભારતમાં શરૂઆતમાં ચાલીને અને ત્યારબાદ સાયકલ પ્રવાસ ખેડીને લોકોમાં ગીતાના વિચારો દ્વારા પરિવર્તન લાવવાની શરૂઆત કરી . માત્ર ૨૨ વર્ષની ઉંમરે તેઓએ તેમના પિતાશ્રી દ્વારા બનાવવામાં આવેલ " શ્રીમદ ભાગવત ગીતા પાઠશાલા " માં પ્રવચન આપવાનું શરૂ કર્યું. ૧૯૫૬ માં તેઓએ તત્વજ્ઞાન વિધાપીઠ શરૂ કરી . જેમાં અનેક યુવાનોએ જોડાઈને ભારતીય સંસ્કૃતિના અને શ્રીમદ ભાગવત ગીતાજીના વિચારોને સમાજના છેવાડાના માનવી સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો અને સામાજિક પરિવર્તન કરાવી શક્યા. મહારાષ્ટ્રમાં મરાઠી લોકો મરાઠીમાં મોટા ભાઈને દાદા તરીકે ઓળખે છે . આમ ત્યાંના સ્થાનિક લોકોએ પૂજય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીને ''મોટાભાઈ'' એટલે કે ''દાદાજી'' તરીકે ઓળખવાનું શરૂ કર્યુ . દાદાની આ પ્રવૃતિ વૈશ્વિક કક્ષાએ પ્રસિદ્ધ બની હતી . વૈશ્વિક કક્ષાએ ખૂબ જ મહત્વનો મેકસેસ એવોર્ડ પણ તેઓને મળ્યો હતો.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પૂજય દાદાજીની માનદ ડીલીટની પદવી એનાયત કરવામાં આવી હતી .

હાલમાં દાદાની ૧૦૦ મી જન્મજયંતિ ઉજવાય રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ભારતીય સંસ્કૃતિ અને ધર્મના વિચારો ,ગીતાજીના વિચારોના મૂલ્યોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે શરૂ થનાર ચેરને પરમ પૂજય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેના નામ સાથે જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે . સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની વિવિધ કોલેજો અને અધ્યાપકો આ ચેર અંગેનો ખર્ચ વહન કરશે તેવી ખાતરી શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો .નિદત બારોટે સિન્ડિકેટને આપી હતી .સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી ,ઉપકુલપતિ ડો . વિજયભાઈ દેસાણીએ પ્રયાસ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટને આ ચેર ચાલુ કરવા દરખાસ્ત કરી હતી જેને સિન્ડિકેટ સ્વીકારતા ખૂબ ઝડપથી આ ચેર સ્થાપિત થઈ જશે . આ ચેરનો લાભ સંશોધકોને સંશોધન કરવામાં પણ થશે .

કુલસચિવ.

A #chair named #Pujay_Pandurang_Shastri_Athavale(#dada) will be started in #Saurashtra_University.

Loading comments...